"I CAN" IS MORE IMPORTANT THAN "I.Q."

Monday, January 2, 2012

સંસારમાં કેમ કરીને રેહવું ?…

‘મનુષ્યજન્મ’ કે જે દરેક માટે દુર્લભ છે, જે માનવજીવનનો આપણો ઉદ્દેશ શું?…. આ સુંદર વાત શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, કરિમગંજ, ખાતે ૧૯૫૭ અપ્રિલ., (સત્પ્રસંગ) માં સ્વામી વિશુદ્ધાનંદજીએ -રજુ કરેલ. પૂજ્યપાદ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રશિષ્ય હતા.  તેમના જ શબ્દોમાં, લેખને સંકલન કરી આપ સર્વે પાઠક મિત્રો માટે અત્રે રજુ કરવાની નમ્ર કોશિશ કરેલ છે.

દુર્લભં ત્રયમેવૈતત્ દેવાનુગ્રહહેતુકમ્ |

મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રય: ||

સંસારમાં આ ત્રણ વસ્તુઓ દુર્લભ છે- મનુષ્યજન્મ*, મુમુક્ષુતા અને મહાપુરુષનો આશ્રય. મનુષ્યજન્મ મળવો દુર્લભ; મુમુક્ષુતાની પ્રાપ્તિ તેનાથી પણ વધારે મુશ્કેલ. ‘મુમુક્ષુતા’ એટલે શું? -સંસાર એક મોટુ બંધન છે, તેનાથી મુક્ત થવાની ઈચ્છા. વિવેક ન આવે ત્યાં સુધી મુક્તિ માટે ઈચ્છા પણ જાગે નહીં.
આપણે માનવજીવનનો ઉદ્દેશ ભૂલી ગયા છીએ -લક્ષ્ય્ભ્રષ્ટ થઇ ગયા છીએ.- આ સંસારમાં સુખ ક્યાં છે? શાંતિ ક્યાં છે? -આ જાણવાની ઈચ્છા ન જાગે ત્યાં સુધી મુમુક્ષુતા આવે નહીં.- તેથી મુમુક્ષુતા દુર્લભતર. અને વળી એક મોટી વસ્તુ – મહાપુરુષનો આશ્રય.- આ ત્રણે એકસાથે મેળવવાં હોઈ તો ભગવાનનો અનુગ્રહ જોઈએ.
સંસારમાં કેમ કરીને રેહવું, એ પ્રશ્ન છે.- ઉપાસનાને બાકાત રાખી આપણે કર્મ કરીએ છીએ, તેથી ફળ કંઈ આવતું નથી; ઉપાસના અને કર્મ એકસાથે જ થવાં જોઈએ.
બધા ધર્મશાસ્ત્રોમાં નિષ્ઠાની વાત કેહવામાં આવી છે. મહાભારતમાંની એક સતીસાધ્વી સ્ત્રીની વાત સાંભળો.
એક યોગીએ બાર વર્ષ યોગાભ્યાસ કરી કંઈક શક્તિ મેળવી હતી. એક દિવસ તે ઝાડ નીચે બેઠો હતો; એ ઝાડ પર એક કાગડો બગલા સાથે ઝઘડો કરતો હતો. કેટલાંક સુકાયેલાં પાંદડાં યોગીના માથા પર પડ્યાં. તેણે ગુસ્સામાં આવી ઉપર નજર કરી. જેવી નજર કરી કે તરત જ કાગડો અને બગલો ભસ્મ થઈ ગયા. પોતાની શક્તિ જોઈ યોગી બહુ ખુશી થયો. થોડીવાર પછી તે ભિક્ષા માટે શહેરમાં ગયો. એક ઘરને બારણે જઈ તેણે કહ્યું -’માં! ભિક્ષા આપો’. તે ઘરમાં સતીસાધ્વી સ્ત્રી રેહતી હતી. તે સંસારમાં બધાં કર્તવ્યોનું સારી રીતે પાલન કરતી હતી. અંદરથી જ તેણે યોગીને કહ્યું -’બેટા! જરા થોભજે! લાંબો વખત ઊભા રેહવું પડ્યું તેથી યોગી ગુસ્સે થયો. મનમાં ને મનમાં તેણે વિચાર્યું ?’બાઈ જાણતી નથી કે મારી કેટલી શક્તિ છે.’ તે આવો વિચાર કરતો હતો, એટલામાં તે સતી બોલી -’ઠાકુર! આ કંઈ તમારા કાગડાબગલાને ભસ્મ કરવાની વાત નથી.- મારા પતિની સેવા પૂરી થયા પછી જ હું ભિક્ષા લઈને આવું છું.’ યોગી આ સાંભળી એકદમ આભો બની ગયો.- સતી બહાર આવતાં જ તે યોગી એને પગે પડ્યો અને દીનભાવે તેણે પૂછ્યું- ‘તમે આ બધું કેવી રીતે જાણ્યું?’- સતીએ કહ્યું -’નિષ્કામભાવે સંસારનાં કર્તવ્યોનું પાલન કરું છું; સ્વામીસેવા જ મારી સાધના; એમાં મારી કંઈ સ્વાર્થબુદ્ધિ નથી. હું આનાથી વધારે બીજું કંઈ જાણતી નથી. વારાણસીની બજારમાં એક વ્યાધ (કસાઈ) છે, તમે તેમની પાસે જાઓ. તે તમને ઉપદેશ કરશે.’ યોગી વ્યાધાની પાસે ગયો, તેણે જોયું તો તે એ વખતે કસાઈના કામમાં રોકાયેલો હતો.- પોતાનું કામ પૂરું કરી ઘેર જઈ માબાપની સેવા કરી તેણે પૂછ્યું – ‘શું જોઈએ છે?’ તે પછી યોગી ઉપદેશ માટે આવ્યો છે એમ જાણી તેણે કહ્યું- ‘વત્સ ! કોઈ પણ કર્મ અસત્ નથી; કોઈ પણ કર્મ અપવિત્ર નથી. પોતાની અવસ્થાને સંગત સંગત કર્તવ્યનું અને ગાર્હસ્થયધર્મનું નિષ્કામભાવે પાલન કરવાથી મને આ જ્ઞાન થયું છે.’
આમ જુઓ કે આ જગતમાં રેહવાનું થાય તો આપણે ઉપાસના સમજીને નિષ્કામભાવે કર્મ કરવાં જોઈએ.